Wednesday 8 November 2017

‘રાજરમત’માં અદ્દલ ઠચરી બની ગયેલ ‘રામ’ મંદિર, હવે બનશે!

શંખનાદ
~ ॐઋષિ

‘રાજરમત’માં અદ્દલ ઠચરી બની ગયેલ ‘રામ’ મંદિર, હવે બનશે!


હિંદુત્વ અને વિકાસનો એજન્ડા લઈને ભાજપને સત્તાના સર્વોચ્ચ શિખરે બેસાડનાર, રામ મંદિરના માલિકી હકના ૧૯૫૯માં થયેલા દાવા અને બાબરી મસ્જિદના માલિકી હકના ૧૯૬૧માં થયેલા પ્રતિદાવા ને ૬૭ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આજ સુધી દરેક ચૂંટણીઓમાં પક્ષ તરફથી એક નિ:સ્વાર્થ, નિમિત્ત કે નિરપેક્ષ ઉકેલ તરીકે નહીં પરંતુ એક શાસનના એજન્ડા તરીકે રામ મંદિરના મુદ્દાને જોવાઈ રહ્યો છે. ભગવો, લીલો અને રાજનીતિનો લાલ રંગ કેટલાંયે નિર્દોષોને જોવાનો વખત આવ્યો છે. પરંતુ, જ્યાં સુધી રોટલા શેકાય છે ત્યાં સુધી ચૂલો વિખેરવો નહીં અને પ્રતિક્રિયા આપવી નહીં, તે આજ સુધી દરેક શાસક પક્ષ તરફથી સાબિત કરવામાં આવ્યું છે. 

આ વખતે આશા એટલે વધુ છે, કારણ કે કેન્દ્ર-રાજ્યમાં જે સરકાર છે તે આ મુદ્દે અત્યંત સંવેદનશીલ છે. અને ફાયદો એ છે કે, સંઘમાં વર્ષો હિંદુત્વને સેવનાર બિનસાંપ્રદાયિક પ્રધાનમંત્રી છે અને ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ હિંદુત્વવાદી વલણ ધરાવનાર મુખ્યમંત્રી અજય મોહન બિષ્ટ ઉર્ફે યોગી આદિત્યનાથ છે, અને ગોરખનાથ મંદિરની પીઠના મઠાધિપતિ પણ ખરા! તેઓ હિંદુત્વના ‘ફાયરબ્રાન્ડ’ છે. તેઓ માને છે કે બહુમતી વર્ગ ખુશ રહેશે તો આપમેળે તેનો ફાયદો લઘુમતી સમુદાયને મળવાનો છે. ઇચ્છનીય છે કે જેમ-જેમ ૨૦૧૯ નજીક આવશે તેમ-તેમ આ મુદ્દો પૂરજોશ પડશે. પરંતુ, આવનારી સુનાવણીમાં જો ફેંસલો મળે તો સાત દાયકાનું સાટું વળે અને ભગવાન-અલ્લાહ રાષ્ટ્રીય વિવાદમાંથી ઉતરી લોકોના રોજિંદા જીવનમાં ડોકિયું કરી શકે.

અદાલતી ફેંસલો સંભળાવવા માટે સુપ્રિમ કૉર્ટે આગામી 5 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. સર્વોચ્ચ અદાલતે જરૂરી દસ્તાવેજી ભાષાંતર માટે ત્રણ મહિનાનો સમયગાળો ફાળવ્યો હતો. જસ્ટિસ દીપક મિશ્રા બેંચ તેની સુનાવણી કરશે. તેવામાં આ ઝઘડા વિષે જાણવું જરૂરી બનતું જાય છે. ૬૭ વર્ષથી ચાલતા મુકદમા પર હિયરિંગ્સ અને તારીખોના થર જમતા જાય છે. એક સમગ્ર પેઢી એવી છે જેને આ મુદ્દા વિષે જરા પણ અંદાજ આથી અથવા જાણવા માંગતી નથી. આધ્યાત્મિકતાની હોડમાં રમાયેલી આ હોળીમાં કેટલાંયે લોકોના શરીર ખાખ થયાં. આટઆટલાં વર્ષોમાં લડી-ઝઘડીને પણ કોઈ ઠોસ વાત ફેંસલા સ્વરૂપે બહાર આવી નથી. સમાજના ઘણાં વર્ગ માટે આ મુદ્દો હવે અણછાજતો છે, તો અમુક માટે પ્રાદેશિક છે. ભારતના પશ્ચિમી અને દક્ષિણી પ્રદેશોમાં રામ મંદિર કે બાબરી મસ્જિદના મુદ્દે કશું જ પ્રતિક્રિયાઓ નથી, તેઓ મૌન છે અને ચૂપ છે. ધીરે-ધીરે વ્યાપક શાંતિ કાયમ થઈ ગઈ છે. વારંવાર તમામ પક્ષોએ કહ્યું છે કે, કૉર્ટની સુનાવણીને અંતિમ ગણવામાં આવશે અને તેને અનુસરવામાં આવશે.

આ મુદ્દા માટે સુપ્રિમ કૉર્ટ પણ દર વખતે હિંદુઓ, નિર્મોહી અખાડા અને વક્ફ બોર્ડના ગ્રાઉન્ડમાં ગૂગલી ફેંકી રહી છે. એકબાજુ બંને પક્ષો સુપ્રિમ કૉર્ટ તરફ નજર કરીને બેઠા છે તો બીજી તરફ સુપ્રિમ કૉર્ટ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થતા માટે નજર તાકીને બેથી છે. મુખ્ય જસ્ટિસે અનેક વખત કહ્યું કે, ‘બંને પક્ષ આ મુદ્દાને સાથે મળીને ઉકેલે. આ મામલો ધર્મ અને શ્રદ્ધા સાથે જોડાયેલો છે. તેથી બંને પક્ષો સાથે બેસીને વાતચીત કરે અને તેના દ્વારા કોઈ ઉકેલ લાવવાનું વિચારે. જરૂર પડશે તો સુપ્રિમ કૉર્ટના જજો પણ મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. જો બંને પક્ષોના દરેક લોકો ટેબલ પર બેસીને નિષ્પક્ષ ફેંસલો લાવે તો વધુ સારું રહેશે.’

સવા સો વર્ષ જૂનો વિવાદ. આ વિવાદે કેટલાંયે નિર્દોષ લોકોનો જીવ, રોજગાર ગયો અને કેટલાંયે લોકોને નેતા બનાવી દીધા. ન બન્યું મંદિર કે ન પકડાયા મસ્જિદ તોડનારાં. સુપ્રિમ કૉર્ટની અવમાનના કરનાર પણ બચી ગયા. ૨૦૧૦માં જસ્ટિસ એસ. યુ. ખાન બેંચે એક મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવ્યો હતો. ફેંસલા મુજબ હિંદુ, મુસ્લિમ અને નિર્મોહી અખાડાને વિવાદિત જમીનનો સંયુક્ત હિસ્સેદાર બનાવવામાં આવશે. વચ્ચેના ગુંબજના ક્ષેત્રમાં જ્યાં હાલમાં રામની મૂર્તિ છે, તે હિંદુઓને આપવામાં આવે. નકશામાં રામ ચબૂતરો અને સીતા રસોઈ નામની જગ્યાઓ નિર્મોહી અખાડાને આપવામાં આવે. આ બેંચ દ્વારા ૯૦૦૦ પાનાંઓમાં લખેલ દસ્તાવેજ અને ૯૦૦૦૦ પાનાંઓમાં રહેલ ગવાહીઓ પાલી, સંસ્કૃત, અરબી સહિત અનેક ભાષાઓમાં લખાયેલ છે. જેના પર સુન્ની વક્ફ બોર્ડે કૉર્ટ પાસે આ દરેક દસ્તાવેજોને ભાષાંતરિત કરાવવાની માંગણી કરી.

ઉપરાંત, પક્ષકાર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, આ કોઈ દીવાની મામલો નથી તેથી તેને સાર્વજનિક હિતના આધારે જોવામાં આવે. પરંતુ આ દલીલ પર શિયા વક્ફ બોર્ડે રોક લગાવી. સુનાવણીની બરાબર પહેલા વક્ફ બોર્ડે અદાલતમાં અરજી કરી, અને શિયા બોર્ડે ૭૦ વર્ષ બાદ ૩૦ માર્ચ, ૧૯૪૬ના ટ્રાયલ કૉર્ટના ફેંસલાને પડકારી છે. જેમાં મસ્જિદને સુન્ની વક્ફ બોર્ડની પ્રોપર્ટીનો કરાર આપવામાં આવ્યો હતો. પોતાની અરજીમાં શિયા વક્ફ બોર્ડે માન્યું છે કે મીર બાકીએ રામ મંદિર તોડીને બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આ ઇતિહાસમાં પહેલી જ વાર બન્યું કે કોઈ મુસ્લિમ સંગઠને આધિકારિક પ્રકારે માન્યું કે વિવાદિત ભૂમિ પર રામ મંદિર હતું. શિયા બોર્ડનું સૂચન છે કે વિવાદિત જમીન પર રામ મંદિર બનવું જોઈએ. આ મામલામાં રામજન્મ ભૂમિ મંદિર ટ્રસ્ટ અને સુન્ની વક્ફ બોર્ડ પક્ષકાર છે, કારણ કે વિવાદિત સ્થળ પર જમીન અધિકારના મામલે શિયા બોર્ડ સુન્ની બોર્ડ સામે ૧૯૪૬માં કેસ હારી ચૂક્યું હતું.

સામાન્ય જનતાના મનમાં હશે, એવો સામાન્ય જવાબ અને વેધક ઉકેલ સુપ્રિમ કૉર્ટના ન્યાયાધીશો પણ કદાચ એવો જ આપી શકે કે, જે વિવાદિત જમીન છે ત્યાં રામ મંદિર જ બને. તેનાથી ઉચિત દૂરી પર મુસ્લિમ ઇલાકામાં મસ્જિદ બને. આ કાર્ય બંને પક્ષોની સહમતી અને બાહેંધરીથી થાય. બંને ધર્મસ્થળોની નિકટતાથી બચવું જોઈએ, કારણ કે બંને દ્વારા ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર અને પ્રાદેશિક લોકોના વસવાટની દ્રષ્ટિએ એકબીજાના ધાર્મિક કાર્યોમાં રુકાવટ ન આવે. બંને પક્ષો વચ્ચેનો ઉકેલ એવો કાઢે કે જેથી સાંપ્રદાયિકતાના ઝઘડાનું મૂલ્ય શૂન્યવત થાય અને એક જ પ્રદેશમાં બંને ધર્મો પોતપોતાનાં કાર્યો સરળતાથી કરી શકે, ઉત્સવો ઉજવી શકે અને જાતિવાદના ઝેરનું મારણ થાય.